ઘરડા ગાડા વાળે.
ઘરડા ગાડા વાળે.
ચીન દેશની એક વાર્તા યાદ આવે છે, સાચી કે ખોટી ખબર નહિ….
એકવાર રાજાએ ફતવો જારી કર્યો કે દેશના વૃદ્ધોને દેશની બહાર એક ટાપુ ઉપર મૂકી આવવા જેથી દેશમાં કોઈ બીમારી ના ફેલાય અને દેશમાં કદરૂપા લોકો ઘટી જાય અને વધુમા યુવાનો પોતાની શક્તિનો ઉપયોગ દેશની પ્રગતિ માટે કરે.
એટલે આવા આદેશથી બધા ઘરમાંથી 60 અને તેનાથી ઉપરના લોકોને યુવાનોએ ટાપુ ઉપર છોડી દીધા.
પછી શું કોઈ કોઈને કહેવાવાળું હતું નહીં….પુરુષોને મહિલાઓને કોઈ શરમ હતી નહિ…જેને જેમ ફાવે એમ ફરે, જેટલું મન થાય એટલું ખાય…અને પોતાની રીતે જ નિર્ણયો લેવા માંડયા.
બસ રાજા અને પ્રજા ખુશ ખુશ થઈ ગયા.
એવામાં વિદેશોથી આક્રમણ થયું. અને દેશના નાગરિકોને રાજાએ દેશની સેવા માટે લડવાનું કહયું.
એક શરત મૂકી, જો એક ઢોલ બનાવીને આપો કે જે એની રીતે જ વાગતો હોય તો આ યુદ્ધ અટકી શકે અને વિદેશી પ્રજા પોતાના ઘરે ચાલી જશે. સમય માત્ર 15 દિવસ.
આમ રાજાએ દેશમાં ફરમાન કર્યું જે આવો ઢોલ જે બનાવી શકે એને દેશનો પ્રધાન મંત્રી બનાવવામાં આવશે અને એના માટે મહેલ, દાસ દાસી અને ઘણા બધા ઉપહારો.
આમ 10 દિવસ જાય પણ કોઈ આવતું નથી અંતે 14મા દિવસે એક યુવાન એવો ઢોલ બનાવી આવે છે જેને અડો કે તરત જ વાગવા લાગે. આ ઢોલને રાજા વિદેશી આક્રમણકારોને મોકલે છે અને યુદ્ધ અટકી જાય છે.
પછી એ યુવાનની આવભગત ચાલુ થાય છે જે દેશના બુધ્ધિશાળી લોકોના કરી શક્યા એ યુવાને કરી બતાવ્યું. સોના ચાંદી મહેલ…વિગેરે ઇનામો આપ્યા બાદ રાજા આ રહસ્ય પૂછે છે કે આ કેમ બન્યું ?
પછી યુવાન કહે છે, હું મારા પિતાની એકની એક સંતાન. મારી આગળ 5 ભાઈઓ હતા કે જેઓ બીમારીમા મૃત્યુ પામ્યા. અને હવે પિતા ઘરડા થતા મેં એમને ટાપુ ઉપર છોડી દીધા. પણ મેં એમને કીધું હું દર અઠવાડિયે આવીશ અને તમને જોઈતી વસ્તુ પહોંચાડીશ.
બાદમા તમારી શરત પિતાજીને જણાવી તો એમને કીધું, આવો ઢોલ એ બનાવી આપશે. પછી એમને ચામડાના બે મોટા કટકાને પોલા લાકડા સાથે ભરાવ્યા અને વચ્ચેના ભાગે મધમાખીનું મોટું પોડું મૂકી ઢોલના બે ભાગોને બંધ કરી દીધાં. એટલે જ્યારે આ ઢોલ હલે કે તરત જ માખીઓ ઉશ્કેરાય અને આ ઢોલની અંદરને અંદર જ ભટકાયે રાખે. અને ઢોલ એકલો એકલો વાગે રાખે.
રાજાને આ વાતથી બોધ મળ્યો અને તમામ વડીલોને પાછા દેશમાં બોલાવી લીધા. એ વૃદ્ધનું સમ્માન પણ કરવામાં આવ્યું.
બોધ:-
- આપ ગમે તેટલા ડિગ્રી ધરાવતા હોય તમારા પિતા, દાદા કરતા અનુભવમાં કાચા જ હશો.
- આપ ગમે તેટલા તાકાત ધરાવતા હોય, વૃદ્ધો પાસેથી જો સોનેરી સલાહ ના લીધી તો તમારા તાકાતને પણ કાટ લાગી જાશે.
- વડીલ એટલે ઘરમાં વડલાનું ઝાડ. જેમાં સૌ કોઈ આશરો લે અને તેના છાયડાનો લાભ લે.
ઘરડા ઘર વધે એમાં દેશને નુકશાની જ છે. કેમ કે અનુભવી અને દીર્ઘ દ્રષ્ટિવાળા લોકો એક જગ્યાએ પુરાઈ જશે અને સમાજને તેમના અનુભવનો લાભ નહિ મળે.
Comments
Post a Comment